ફિલિપ અને ઇથિયોપિયાનો અધિકારી

26હવે પ્રભુના એક સ્વર્ગદૂતે ફિલિપને કહ્યું કે, ઊઠ, ને યરુશાલેમથી ગાઝા જવાના માર્ગ સુધી દક્ષિણ તરફ જા; ત્યાં અરણ્ય છે. 27તે ઊઠીને ગયો; અને જુઓ, ત્યાં ઇથિયોપિયાનો એક ખોજો કે જે ઇથિયોપિયાની રાણી કંદિકાના હાથ નીચે મોટો અધિકારી તથા તેના સઘળા ભંડારનો કારભારી હતો, તે ભજન કરવા સારુ યરુશાલેમમાં આવ્યો હતો. 28તે પાછા જતા પોતાના રથમાં બેસીને પ્રબોધક યશાયાનું પુસ્તક વાંચતો હતો.

29આત્માએ ફિલિપને કહ્યું કે, તું પાસે જઈને એ રથની સાથે થઈ જા. 30ત્યારે ફિલિપ તેની પાસે દોડી ગયો, અને તેને પ્રબોધક યશાયાનું પુસ્તક વાંચતા સાંભળીને પૂછ્યું કે, તું જે વાંચે છે તે શું તું સમજે છે? 31ત્યારે તેણે કહ્યું કે, કોઈનાં સમજાવ્યાં સિવાય હું કેમ કરીને સમજી શકું? તેણે ફિલિપને વિનંતી કરી કે, મારા રથમાં ઉપર આવી મારી પાસે બેસ.

32શાસ્ત્રવચનનું જે પ્રકરણ તે વાંચતો હતો તે એ હતું કે, “ઘેટાંની પેઠે મારી નંખાવાને તેમને લઈ જવાયા; અને જેમ હલવાન પોતાના કાતરનારની આગળ મૂંગું રહે છે, તેમ તેમણે પોતાનું મુખ ઉઘાડ્યું નહિ; 33તેમની દીનાવસ્થામાં તેમનો ન્યાય ડૂબી ગયો; તેમના જમાનાનાં લોકનું વર્ણન કોણ કહી દેખાડશે? કેમ કે તેમનો જીવ પૃથ્વી પરથી લઈ લેવામાં આવ્યો.”

34ત્યારે તે ખોજાએ ફિલિપને ઉત્તર દેતાં કહ્યું કે, હું તને વિનંતી કરું છું કે, પ્રબોધક કોનાં વિષે એ કહે છે? પોતાના વિષે કે કોઈ બીજાના વિષે? 35ત્યારે ફિલિપે કહેવાનું શરૂ કર્યું અને શાસ્ત્રવચનની તે વાતથી આરંભ કરીને તેને ઈસુ વિષેની સુવાર્તા પ્રગટ કરી.

36માર્ગમાં તેઓ એક જળાશય પાસે આવી પહોંચ્યા; ત્યારે ખોજાએ કહ્યું કે, જો, અહીં પાણી છે, બાપ્તિસ્મા પામવાથી મને શું અટકાવી શકે? 37ત્યારે ફિલિપે કહ્યું કે, જો તું તારા પૂરા મનથી વિશ્વાસ કરે છે તો એ ઉચિત છે; ખોજાએ ઉત્તર દેતાં કહ્યું કે, ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર છે, એવું હું માનું છું. 38પછી તેણે રથ ઊભો રાખવાનો હુકમ કર્યો, અને ફિલિપ તથા ખોજો બન્ને જણ પાણીમાં ઊતર્યા, ફિલિપે તેને બાપ્તિસ્મા આપ્યું.

39તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે પ્રભુનો આત્મા ફિલિપને લઈ ગયો; અને ખોજાએ ફરી ફિલિપને જોયો નહિ, પરંતુ તે આનંદ કરતા કરતા પોતાના માર્ગે ચાલ્યો ગયો. 40પણ ફિલિપ આશ્દોદમાં દેખાયો; તે કાઈસારિયા પહોંચતાં સુધી માર્ગમાંના સર્વ શહેરમાં સુવાર્તા પ્રગટ કરતો કરતો ગયો.