ઇઝરાયલનો ઉદય
8યહોવાહ એવું કહે છે:
એક સમયે હું મારી કૃપા બતાવીશ અને તને ઉત્તર આપીશ તથા ઉદ્ધારને દિવસે હું તને સહાય કરીશ;
હું તારું રક્ષણ કરીશ અને તને લોકોને માટે કરારરૂપ કરીશ,
જેથી તું દેશને ફરીથી બાંધે અને નિર્જન ભૂમિનો વારસો વહેંચી આપે.
9તું બંદીવાનોને કહેશે, ‘બહાર આવો;’ જેઓ અંધકારમાં છે તેઓને કહેશે, ‘પ્રકાશમાં આવો.’
તેઓ રસ્તાઓ પર અને સર્વ ઢોળાવ પર ચરનારાં ઘેટાં જેવા મુક્ત થશે.
10તેઓને ભૂખ કે તરસ લાગશે નહિ; અને તેઓને લૂ તથા તાપ લાગશે નહિ,
કેમ કે જે તેઓ ઉપર દયા કરે છે, તે તેઓને દોરી જશે; પાણીના ઝરાઓની પાસે તેઓને લઈ જશે.
11મારા સર્વ પર્વતો પર હું માર્ગો બનાવીશ અને મારા રાજમાર્ગોને સપાટ કરીશ.”
12જુઓ, તેઓ દૂરથી આવશે, થોડા ઉત્તરથી તથા પશ્ચિમથી; તથા અન્ય સીનીમ દેશમાંથી આવશે.
13હે આકાશો, ગાઓ અને હે પૃથ્વી, આનંદ કર; હે પર્વતો, તમે જયઘોષ કરવા માંડો!
કેમ કે યહોવાહે પોતાના લોકોને દિલાસો આપ્યો છે અને તે પોતાના દુ:ખી લોકો પર દયા કરશે.
14પણ સિયોને કહ્યું, “યહોવાહે મને તજી દીધી છે અને પ્રભુ મને ભૂલી ગયા છે.”
15શું સ્ત્રી પોતાના બાળકને, અરે પોતાના સ્તનપાન કરતા બાળકને ભૂલી જાય, પોતાના પેટના દીકરા પર તે દયા ન કરે?
હા, કદાચ તે ભૂલી જાય પરંતુ હું તને ભૂલીશ નહિ.
16જો, મેં તારું નામ મારી હથેળી પર કોતર્યું છે; તારો કોટ નિત્ય મારી સમક્ષ છે.
17જ્યારે તારો નાશ કરનાર દૂર જાય છે, ત્યારે તારા છોકરાં ઉતાવળથી પાછાં ફરે છે.
18તારી દૃષ્ટિ ઊંચી કરીને ચારે તરફ જો, તેઓ સર્વ એકઠા થઈને તારી પાસે આવે છે.
યહોવાહ કહે છે, “મારા જીવના સમ” તું તે સર્વને આભૂષણની જેમ પહેરશે; કન્યાની જેમ તારી જાતને શણગારશે.
19જો કે તારી ઉજ્જડ તથા વસ્તી વિનાની જગાઓ, તારો પાયમાલ થયેલો દેશ,
હવે તારા રહેવાસીઓ માટે તું ખૂબ નાનો હશે અને તને ગળી જનારા દૂર રહેશે.
20તારા વિરહના સમયમાં જન્મેલા બાળકો તારા સાંભળતાં કહેશે,
‘આ જગા અમારે માટે ખૂબ સાંકડી છે, અમારે માટે જગા કર કે અમે રહી શકીએ.’
21પછી તું તારા મનમાં કહેશે, ‘મારે માટે આ બાળકોને કોણે જન્મ આપ્યો છે?
હું તો નિરાધાર તથા નિઃસંતાન, બંદીવાન તથા છૂટાછેડા પામેલી છું. આ બાળકોને કોણે ઉછેર્યાં છે?
જુઓ, હું એકલી રહેતી હતી; આ બાળકો ક્યાંથી આવ્યાં?”
22પ્રભુ યહોવાહ એવું કહે છે:
“જુઓ, હું વિદેશીઓની તરફ મારો હાથ ઊંચો કરીશ; લોકોની તરફ મારી ધ્વજા ઊંચી કરીશ.
તેઓ તારા દીકરાઓને તેમના હાથમાં ઊંચકીને અને તારી દીકરીઓને ખભા પર બેસાડીને લાવશે.
23રાજાઓ તારા વાલી અને તેઓની રાણીઓ તારી સંભાળ રાખનાર થશે;
તેઓ તને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરશે અને તારા પગની ધૂળ ચાટશે;
અને ત્યારે તું જાણશે કે, હું યહોવાહ છું; જેઓ મારી વાટ જુએ છે તેઓ કદી લજવાશે નહિ.”
24શું શૂરવીર પાસેથી લૂંટ છીનવી શકાય અથવા શું જુલમીના હાથમાંથી બંદીવાનોને છોડાવી શકાય?
25પણ યહોવાહ એવું કહે છે કે:
“હા, શૂરવીર પાસેથી બંદીવાનોને લઈ લેવાશે અને લૂંટ છીનવી લેવાશે;
કેમ કે હું તારા દુષ્ટોનો વિરોધ કરીશ અને તારાં બાળકોને બચાવીશ.
26અને હું તારા પર જુલમ કરનારાઓને તેઓનું પોતાનું જ માંસ ખવડાવીશ; અને જાણે દ્રાક્ષારસ પીધો હોય, તેમ તેઓ પોતાનું જ રક્ત પીને છાકટા થશે;
અને ત્યારે સર્વ માનવજાત જાણશે કે હું,
યહોવાહ, તારો ઉદ્ધારનાર અને તારો બચાવ કરનાર છું, હું યાકૂબનો સમર્થ ઈશ્વર છું.”
1યહોવાહ પૂછે છે કે,
“છૂટાછેડાનો પત્ર ક્યાં છે જેનાથી મેં તારી માને છૂટાછેડા આપ્યા?
અને મારા લેણદારોમાંના કોને ત્યાં મેં તમને વેચી દીધા હતા?
જો, તમારાં પાપોને લીધે તમે વેચાયા હતા અને તમારા બળવાને કારણે તમારી માને મેં તજી દીધી હતી.
2હું શા માટે આવ્યો પણ ત્યાં કોઈ હતું નહિ? મેં શા માટે પોકાર કર્યો પણ કોઈએ જવાબ આપ્યો નહિ?
શું મારો હાથ એટલો બધો ટૂંકો થઈ ગયો છે કે તમને છોડાવી શકે નહિ? શું તમને બચાવવા માટે મારામાં શક્તિ નથી?
જુઓ, મારા ઠપકાથી હું સમુદ્રને સૂકવી નાખું છું; હું નદીઓને રણ કરી નાખું છું;
તેમાંની માછલીઓ પાણી વિના મરી જાય છે અને ગંધાઈ ઊઠે છે.
3હું આકાશને અંધકારથી ઢાકું છું; હું ટાટથી તેનું આચ્છાદન કરું છું.”


