પ્રભુની સહાય, અને સ્વસ્થ કરનારું સામર્થ્ય
14વળી તે કહેશે,
“સડક બાંધો, સડક બાંધો! માર્ગ તૈયાર કરો! મારા લોકના માર્ગોમાંથી સર્વ ઠોકર ખવડાવનાર પથ્થર દૂર કરો!”
15કેમ કે જે ઉચ્ચ તથા ઉન્નત છે, જે સનાતન કાળથી છે, જેમનું નામ પવિત્ર છે, તે એવું કહે છે:
હું ઉચ્ચ તથા પવિત્રસ્થાનમાં રહું છું, વળી જે કચડાયેલ અને આત્મામાં નમ્ર છે તેની સાથે રહું છું,
જેથી હું નમ્ર જનોનો આત્મા અને પશ્ચાતાપ કરનારાઓનાં હૃદયને ઉત્તેજિત કરું.
16કેમ કે હું સદા દોષિત ઠરાવનાર નથી કે સર્વકાળ રોષ રાખનાર નથી,
રખેને મેં જે આત્માને તથા જે જીવને બનાવ્યા છે, તેઓ મારી આગળ નિર્બળ થઈ જાય.
17તેણે લોભથી પ્રાપ્ત કરવાને કરેલાં પાપને કારણે હું તેના પર રોષે ભરાયો હતો અને મેં તેને શિક્ષા કરી;
મેં તેનાથી મારું મુખ ફેરવ્યું અને હું રોષમાં હતો,
પણ તેં પાછો વળીને પોતાના હૃદયને માર્ગે ચાલ્યો ગયો.
18મેં તેના માર્ગો જોયા છે,
પણ હું તેને સાજો કરીશ. હું તેને દોરીશ અને દિલાસો આપીશ અને તેને માટે શોક કરનારાઓને સાંત્વના આપીશ,
19અને હું હોઠોનાં ફળો ઉત્પન્ન કરીશ, જેઓ દૂર તથા પાસે છે તેઓને શાંતિ,
શાંતિ થાઓ,” યહોવાહ કહે છે “તેઓને હું સાજા કરીશ.”
20પણ દુષ્ટો તોફાની સમુદ્રના જેવા છે, જે શાંત રહી શકતા નથી,
અને તેનાં પાણી કીચડ તથા કાદવથી ડહોળા થાય છે.
21“દુષ્ટોને માટે કંઈ શાંતિ હોતી નથી,” એમ ઈશ્વર કહે છે.


