કારભારી શેબ્નાને ચેતવણી
15પ્રભુ, સૈન્યોના યહોવાહે કહે છે: “આ પ્રધાન શેબ્ના જે રાજમહેલનો કારભારી છે તેની પાસે જઈને તેને કહે કે:
16‘તારું અહીં શું છે અને તું કોણ છે કે તેં પોતાને માટે અહીં કબર ખોદી છે?
તું ઊંચે પોતાની કબર ખોદે છે, ખડકમાં પોતાને માટે રહેઠાણ કોતરે છે!”
17જુઓ, યહોવાહ શૂરવીરની જેમ તને જોરથી ફેંકી દેશે; તે તને મજબૂતાઈથી પકડી રાખશે.
18તે નિશ્ચે તને દડાની જેમ લપેટી લપેટીને વિશાળ દેશમાં ફેંકી દેશે.
ત્યાં તારું મૃત્યુ થશે અને તારા શોભાયમાન રથો ત્યાં જ રહેશે; તે તારા ધણીના ઘરને કલંક લગાડનાર થશે.
19“હું તને તારી પદવી અને સ્થાન પરથી હડસેલી કાઢીશ. તને તારી જગાએથી પાડી નાખીશ.
20તે દિવસે હું મારા સેવક હિલ્કિયાના દીકરા એલિયાકીમને બોલાવીશ.
21હું તેને તારો પોશાક પહેરાવીશ, તારો કમરબંધ તેની કમરે બાંધીશ, હું તેના હાથમાં તારો અધિકાર સોંપીશ.
તે યરુશાલેમના રહેવાસીઓ સાથે તથા યહૂદિયાના માણસો સાથે પિતાની જેમ વર્તશે.
22હું દાઉદના ઘરની ચાવી તેના ખભા પર મૂકીશ;
તે ઉઘાડશે તેને કોઈ બંધ નહિ કરી શકે; તે બંધ કરશે તેને કોઈ ઉઘાડી નહિ શકે.
23હું તેને મજબૂત સ્થાનમાં ખીલાની જેમ ઠોકી બેસાડીશ
અને તે પોતાના પિતાના કુટુંબને માટે ગૌરવનું સિંહાસન થશે.
24તેઓ તેના પિતાના ઘરનો સર્વ વૈભવ, કુટુંબ-પરિવાર, પ્યાલા જેવાં નાનાં પાત્રથી તે શિરોઇ જેવા પાત્ર સુધી,
તે સર્વ તેના પર લટકાવી રાખશે.
25સૈન્યોના યહોવાહનું એવું વચન છે કે, “તે દિવસે મજબૂત સ્થાનમાં જે ખીલો ઠોકી બેસાડેલો હતો તે નીકળી આવશે; અને તેના પર જે ભાર હતો તે નષ્ટ થશે” કેમ કે આ યહોવાહ એવું બોલ્યા છે.


