પ્રભુ પોતાના દુશ્મનોને ચેતવે છે
10યહોવાહ કહે છે, “હવે હું ઊઠીશ;” હમણાં હું પોતાને ઊંચો કરીશ; હમણાં હું મોટો મનાઈશ.
11તમે ફોતરાંનો ગર્ભ ધરશો અને ખૂંપરાને જન્મ આપશો; તમારો શ્વાસ તમને બાળી નાખનાર અગ્નિ જેવો છે.
12લોકો ભઠ્ઠીમાં ચૂના જેવા, અગ્નિમાં બાળી નાખેલા અને કાપેલા કાંટા જેવા થશે.
13તમે જેઓ દૂર છો તેઓ, મેં જે કર્યું છે તે સાંભળો; અને તમે પાસે રહેનારાઓ, મારું પરાક્રમ જાણો.
14સિયોનમાં પાપીઓ ભયભીત થયા છે, અધર્મીઓને ધ્રૂજારી ચઢી છે.
આપણામાંનો કોણ બાળી નાખનાર અગ્નિ સાથે વાસો કરશે? આપણામાંનો કોણ સદા બળતી આગ સાથે વાસો કરશે?
15જે ન્યાયને માર્ગે ચાલે છે અને સત્ય બોલે છે; જે જુલમની કમાઈને ધિક્કારે છે,
જે લાંચ લેવાનો ઇનકાર કરે છે, જે ગુનો કરવાની યોજના કરતો નથી,
અને જે ભૂંડું ન જોવા માટે પોતાની આંખ મીંચી દે છે, તે જ વાસો કરશે.
16તે ઉચ્ચસ્થાનને પોતાનું રહેઠાણ બનાવશે;
ખડકોના કિલ્લા તેનો આશ્રય થશે; તેને નિશ્ચે ખોરાક અને પાણી મળતાં રહેશે.


