રાજા યશાયાની સલાહ શોધે છે
2 રાજા. 19:1-7
1જ્યારે હિઝકિયા રાજાએ એ સાંભળ્યું ત્યારે તેણે પોતાનાં વસ્ત્ર ફાડ્યાં, શરીર પર ટાટ ધારણ કરીને તે યહોવાહના ઘરમાં ગયો. 2તેણે મહેલના કારભારી એલિયાકીમને, લેખક શેબ્નાને તથા યાજકોના વડીલોને ટાટ ઓઢાડીને તેઓને આમોસના દીકરા યશાયા પ્રબોધક પાસે મોકલ્યા.
3તેઓએ તેને કહ્યું, “હિઝકિયા એવું કહે છે કે, આ દિવસ તો સંકટનો, ઠપકાનો તથા ફજેતીનો દિવસ છે; કેમ કે આ તો છોકરાંનો પ્રસવ થવાની તૈયારી છે, પણ જન્મ આપવાની શક્તિ ના હોય તેવી સ્થિતિ છે. 4આશ્શૂરના રાજાએ પોતાનાં સેવક રાબશાકેહને જીવતા ઈશ્વરની નિંદા કરવા માટે મોકલ્યો છે અને તેના સર્વ શબ્દો યહોવાહ તમારા ઈશ્વરે સાંભળ્યા છે. તો હવે તે સાંભળીને તેને માટે તેઓને ધમકાવે; માટે બચી ગયેલાઓને માટે તું પ્રાર્થના કર.”
5તેથી હિઝકિયા રાજાના સેવકો યશાયા પાસે આવ્યા. 6અને યશાયાએ તેઓને કહ્યું: “તમારા ધણીને કહેજો કે: ‘યહોવાહ કહે છે કે, જે શબ્દો તેં સાંભળ્યા છે, એટલે જે વડે આશ્શૂરના રાજાના સેવકોએ મારી વિરુદ્ધ દુર્ભાષણ કર્યું છે, તેથી તારે બીવું નહિ. 7જુઓ, હું તેનામાં એક આત્મા મૂકીશ અને તે અફવા સાંભળીને પોતાના દેશમાં પાછો જશે. ત્યાં હું તેને તલવારથી મારી નંખાવીશ.”


