આશ્વાસનના શબ્દો

1તમારા ઈશ્વર કહે છે, “દિલાસો આપો, મારા લોકોને દિલાસો આપો.”

2યરુશાલેમ સાથે હેતથી વાત કરો; અને તેને જણાવો

કે તેની લડાઈ પૂરી થઈ છે, તેના અપરાધને માફ કરવામાં આવ્યો છે,

તેને યહોવાહને હાથે તેના સર્વ પાપોને લીધે બમણી શિક્ષા થઈ છે.

3સાંભળો કોઈ એવું પોકારે છે,

“અરણ્યમાં યહોવાહનો માર્ગ તૈયાર કરો;

જંગલમાં આપણા ઈશ્વરને માટે સડક સુગમ કરો.”

4સર્વ ખીણને ઊંચી કરવામાં આવશે અને સર્વ પર્વતો અને ડુંગરોને સપાટ કરવામાં આવશે;

ખરબચડી જગાઓ સરખી અને ખાડા ટેકરાને સપાટ મેદાન કરવામાં આવશે.

5યહોવાહનું ગૌરવ પ્રગટ થશે અને સર્વ માણસો તે જોશે; કેમ કે એ યહોવાહના મુખનું વચન છે.

6“પોકાર” એવું એક વાણી કહે છે, મેં પૂછ્યું, “શાને માટે પોકારું?”

સર્વ મનુષ્ય ઘાસ જ છે અને તેઓના કરારનું વિશ્વાસુપણું એ ખેતરના ફૂલ જેવું છે.

7ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ ચીમળાઈ જાય છે જ્યારે યહોવાહના શ્વાસનો વાયુ તે પર વાય છે; મનુષ્ય નિશ્ચે ઘાસ જ છે.

8ઘાસ સુકાઈ જાય છે, ફૂલ ચીમળાઈ જાય છે, પણ આપણા ઈશ્વરનું વચન સર્વકાળ કાયમ રહેશે.”

9હે સિયોન, વધામણીના સમાચાર કહેનારી, તું ઊંચા પર્વત પર ચઢી જા;

મોટા અવાજે સામર્થ્યથી પોકાર; યરુશાલેમને વધામણીના સમાચાર આપ. ઊંચા અવાજે પોકાર, બીશ નહિ.

યહૂદિયાના નગરોને કહે, “તમારો ઈશ્વર આ છે!”

10જુઓ, પ્રભુ યહોવાહ જય પામનાર વીરની જેમ આવશે અને તેમનો ભુજ તેઓને માટે અધિકાર ચલાવશે.

જુઓ, તેઓનું ઈનામ તેઓની સાથે અને તેઓનું પ્રતિફળ તેઓની આગળ જાય છે.

11ભરવાડની જેમ તે પોતાના ટોળાંનું પાલન કરશે, તે પોતાના હાથમાં

હલવાનોને એકઠા કરશે અને પોતાની ગોદમાં ઊંચકી લેશે અને સ્તનપાન કરાવનારી સ્ત્રીઓને તે સંભાળીને ચલાવશે.