પોતાના શિષ્યો સાથે પાસ્ખા ભોજન

માર્ક 14:12-21; લૂક 22:7-13,21-23; યોહ. 13:21-30

17બેખમીર રોટલીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે, “અમે તમારે માટે પાસ્ખા ખાવાની તૈયારી ક્યાં કરીએ? તમારી શી ઇચ્છા છે?” 18ત્યારે ઈસુએ કહ્યું કે, “નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ‘ઉપદેશક કહે છે કે “મારો સમય પાસે આવ્યો છે, હું મારા શિષ્યો સાથે તારે ઘેર પાસ્ખા પાળીશ.’” 19ઈસુએ શિષ્યોને જેવી આજ્ઞા આપી હતી, તેવું તેઓએ કર્યું અને પાસ્ખા તૈયાર કર્યું.

20સાંજ પડી ત્યારે બાર શિષ્યોની સાથે ઈસુ જમવા બેઠા હતા. 21તેઓ જમતા હતા ત્યારે તેમણે કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે, તમારામાંથી એક મને પરસ્વાધીન કરશે.” 22ત્યારે તેઓ ઘણાં દુઃખી થયા અને તેઓમાંનો દરેક તેમને કહેવા લાગ્યો કે, “પ્રભુ, શું તે હું છું?”

23ઈસુએ ઉત્તર દેતાં કહ્યું કે, “જેણે મારી સાથે થાળીમાં હાથ મૂક્યો છે તે જ મને પરાધીન કરશે. 24માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે ખરો; પણ જે માણસથી માણસનો દીકરો પરાધીન કરાય છે, તેને અફસોસ છે! જો તે માણસ જન્મ્યો ન હોત, તો તેને માટે વધારે સારું હોત.” 25ત્યારે તેને પરસ્વાધીન કરનાર યહૂદાએ પૂછ્યું કે, “ગુરુજી, શું તે હું છું?” ઈસુએ તેને કહ્યું કે, “તેં પોતે જ કહ્યું છે.”