Select a Verse

સર્જનહારની સ્તુતિ

1હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન.

હે યહોવાહ મારા ઈશ્વર, તમે અતિ મહાન છો;

તમે વૈભવ તથા ગૌરવ ધારણ કર્યાં છે.

2તમે વસ્ત્રની જેમ અજવાળું પહેર્યું છે;

પડદાની જેમ તમે આકાશને વિસ્તારો છો.

3તમારા આકાશી ઘરનો પાયો તમે અંતરિક્ષનાં પાણી પર નાખ્યો છે;

તમે વાદળાંને તમારા રથ બનાવ્યા છે;

તમે પવનની પાંખો પર સવારી કરો છો.

4તમે પવનોને તમારા દૂત બનાવો છો

અને તમારા સેવકો અગ્નિના ભડકા છે.

5તમે પૃથ્વીને તેના પાયા પર સ્થિર કરી છે

જેથી તે ખસે નહિ.

6તમે પૃથ્વીને વસ્ત્રની જેમ જળના ભંડારોથી આચ્છાદિત કરો છો;

પાણીએ પર્વતોને આચ્છાદિત કર્યાં છે.

7તમારી ધમકીથી તેઓ નાસી ગયાં;

તમારી ગર્જનાથી તેઓ જતાં રહ્યાં.

8પહાડો ચઢી ગયા અને ખીણો ઊતરી ગઈ

જે સ્થળ તમે પાણીને માટે મુકરર કર્યું હતું, ત્યાં સુધી તે પ્રસરી ગયાં.

9તેઓ ફરીથી પૃથ્વીને ઢાંકે નહિ માટે

તમે તેઓને માટે હદ બાંધી છે કે જેથી તેઓ તે પાર ન કરી શકે;

10તેમણે ખીણોમાં વહેતાં ઝરણાં બનાવ્યાં;

તે પર્વતોની વચ્ચે વહે છે.

11તે સર્વ પશુઓને પાણી પૂરું પાડે છે;

રાની ગધેડાંઓ પણ પોતાની તરસ છિપાવે છે.

12આકાશના પક્ષીઓ ઝરણાંઓને કિનારે માળા બાંધે છે;

વૃક્ષોની ડાળીઓ મધ્યે ગાયન કરે છે.

13તે ઓરડામાંથી પર્વતો પર પાણી સિંચે છે.

પૃથ્વી તેમનાં કામના ફળથી તૃપ્ત થાય છે.

14તે જાનવરને માટે ઘાસ ઉપજાવે છે

અને માણસના માટે શાકભાજી ઉપજાવે છે

કે જેથી માણસ ભૂમિમાંથી અન્ન ઉપજાવે છે.

15તે માણસને આનંદ આપનાર દ્રાક્ષારસ,

તેના મુખને તેજસ્વી કરનાર તેલ

અને તેના જીવનને બળ આપનાર રોટલી તે નિપજાવે છે.

16યહોવાહનાં વૃક્ષો, એટલે લબાનોનનાં દેવદારો;

જે તેમણે રોપ્યાં હતાં, તેઓ પાણીથી ભરપૂર છે.

17ત્યાં પક્ષીઓ પોતાના માળા બાંધે છે.

વળી દેવદાર વૃક્ષ બગલાઓનું રહેઠાણ છે.

18ઊંચા પર્વતો પર રાની બકરાઓને

અને ખડકોમાં સસલાને રક્ષણ અને આશ્રય મળે છે.

19ઋતુઓને માટે તેમણે ચંદ્રનું સર્જન કર્યું;

સૂર્ય પોતાનો અસ્તકાળ જાણે છે.

20તમે અંધારું કરો છો એટલે રાત થાય છે

ત્યારે જંગલનાં પશુઓ બહાર આવે છે.

21સિંહનાં બચ્ચાં શિકાર માટે ગર્જના કરે છે

અને તેઓ ઈશ્વર પાસે પોતાનું ભોજન માગે છે.

22સૂર્ય ઊગે કે તરત તેઓ જતાં રહે છે

અને પોતાના કોતરોમાં સૂઈ જાય છે.

23માણસ પોતાના કામકાજ કરવા બહાર આવે છે

અને સાંજ સુધી પોતાનો ઉદ્યોગ ચલાવે છે.

24હે યહોવાહ, તમારાં કામ કેવાં તરેહતરેહનાં છે!

તમે તે સર્વને બુદ્ધિપૂર્વક બનાવ્યાં છે;

તમારી બનાવેલી વસ્તુઓથી પૃથ્વી ભરપૂર છે.

25જુઓ આ વિશાળ તથા ઊંડા સમુદ્રમાં,

અસંખ્ય જીવજંતુઓ,

નાનાંમોટાં જળચરો છે.

26વહાણો તેમાં આવજા કરે છે

અને જે મગરમચ્છ તેમાં રમવા માટે તમે ઉત્પન્ન કર્યાં છે તે સમુદ્રમાં રહે છે.

27તમે તેઓને યોગ્ય સમયે ખાવાનું આપો છો,

તેથી આ સર્વ તમારી રાહ જુએ છે.

28જ્યારે તમે તેઓને આપો છો, ત્યારે તેઓ ભેગા થાય છે;

જ્યારે તમે તમારો હાથ ખોલો છો, ત્યારે તેઓ તૃપ્ત થાય છે.

29જ્યારે તમે તમારું મુખ ફેરવો છો, ત્યારે તેઓ ગભરાઈ જાય છે;

જો તમે તેઓનો પ્રાણ લઈ લો છો, તો તેઓ મરણ પામે છે

અને પાછાં ધૂળમાં મળી જાય છે.

30જ્યારે તમે તમારો આત્મા મોકલો છો, ત્યારે તેઓ ઉત્પન્ન થાય છે

અને તમે દેશભરનું નવીકરણ કરો છો.

31યહોવાહનો મહિમા સદાકાળ ટકી રહો;

પોતાના સર્જનથી યહોવાહ આનંદ પામો.

32તે પૃથ્વી પર દ્રષ્ટિ કરે છે અને તે કંપે છે;

તે પર્વતોને સ્પર્શે છે અને તેઓમાંથી ધુમાડો નીકળે છે.

33હું જીવનપર્યંત યહોવાહની પ્રશંસાનાં ગીતો ગાઈશ;

હું મારા છેલ્લાં શ્વાસ સુધી યહોવાહની સ્તુતિ કરીશ.

34તેમના માટેના મારા શબ્દો વડે તે પ્રસન્ન થાઓ;

હું યહોવાહમાં આનંદ કરીશ.

35પૃથ્વીમાંથી સર્વ પાપીઓ નાશ પામો

અને દુષ્ટોનો અંત આવો.

હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન.

યહોવાહની સ્તુતિ કરો.