Select a Verse

ભાગ 5

ગી.શા. 107-150

યહોવાહની ભલાઈ

1યહોવાહનો આભાર માનો, કારણ કે તે ઉત્તમ છે

અને તેમની કૃપા સર્વકાળ ટકે છે.

2જેઓ યહોવાહના છોડાવેલા છે તેઓએ આ પ્રમાણે બોલવું,

એટલે જેઓને તેમણે શત્રુઓના હાથમાંથી છોડાવ્યા તેઓએ.

3તેમણે તેઓને દેશવિદેશથી

એટલે પૂર્વથી તથા પશ્ચિમથી,

ઉત્તરથી તથા દક્ષિણથી એકત્ર કર્યા.

4અરણ્યમાં તેઓ ઉજ્જડ માર્ગે ભટક્યા

અને તેઓને રહેવા માટે કોઈ નગર મળ્યું નહિ.

5તેઓ ભૂખ્યા અને તરસ્યા હતા;

તેઓના પ્રાણ આકુળવ્યાકુળ થઈ ગયા.

6પછી તેઓએ પોતાના સંકટમાં યહોવાહને પોકાર્યાં

અને તેમણે તેઓને દુઃખમાંથી છોડાવ્યા.

7તેમણે તેઓને સીધે માર્ગે દોર્યા

કે જેથી તેઓ વસવાલાયક નગરમાં જાય અને ત્યાં વસવાટ કરે.

8તેમની કૃપા તથા માનવજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો

ધ્યાનમાં રાખીને લોકો યહોવાહની સ્તુતિ કરે, તો કેવું સારું!

9કારણ કે તે તરસ્યાઓને સંતોષ પમાડે છે

અને ભૂખ્યાઓને ઉત્તમ વાનાંથી તૃપ્ત કરે છે.

10કેટલાક અંધકાર તથા મરણછાયામાં બેઠેલા હતા,

આપત્તિમાં તથા બેડીઓમાં સપડાયેલા હતા.

11કેમ કે તેઓએ ઈશ્વરની વિરુદ્ધ બળવો કર્યા,

પરાત્પર ઈશ્વરની સૂચનાઓનો ઇનકાર કર્યો.

12તેઓનાં હૃદયો તેમણે કષ્ટથી નમ્ર કર્યાં;

તેઓ લથડી પડ્યા અને તેઓને સહાય કરનાર કોઈ ન હતું.

13પછી તેઓએ પોતાના સંકટમાં યહોવાહને પોકાર્યા

અને તેમણે તેઓને દુઃખમાંથી ઉગાર્યા.

14તે તેઓને અંધકાર અને મરણછાયામાંથી બહાર લાવ્યા

અને તેમણે તેઓનાં બંધન તોડી નાખ્યાં.

15તેમની કૃપા તથા માનવજાત માટેના તેમનાં આશ્ચર્યકારક કૃત્યો

ધ્યાનમાં રાખીને લોકો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!

16કેમ કે તેમણે પિત્તળના દરવાજા ભાંગી નાખ્યા

અને તેઓની લોખંડની ભૂંગળો તોડી નાખી.

17તેઓ પોતાના બળવાખોર માર્ગોમાં મૂર્ખ હતા

તથા પોતાના પાપથી સંકટમાં આવી પડ્યા.

18તેઓના જીવો સર્વ પ્રકારના ખોરાકથી કંટાળી જાય છે

અને તેઓ મરણ દ્વાર સુધી આવી પહોંચે છે.

19પછી તેઓ પોતાના સંકટમાં યહોવાહને પોકારે છે

અને તે તેઓને દુઃખમાંથી ઉગારે છે.

20તેઓ પોતાનું વચન મોકલીને તેઓને સાજા કરે છે

અને તેમણે તેઓને દુર્દશામાંથી છોડાવ્યા છે.

21આ તેમની કૃપા તથા માનવજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો

ધ્યાનમાં રાખીને માણસો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!

22તેઓને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવવા દો

અને તેઓનાં કામ ગીતોથી પ્રગટ કરે.

23જેઓ વહાણમાં બેસીને સમુદ્રમાં ઊતરે છે

અને સમુદ્રપાર વ્યાપાર કરે છે.

24તેઓ યહોવાહનાં કાર્યો

તથા સમુદ્ર પરનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો જુએ છે.

25કેમ કે તે આજ્ઞા આપે છે અને તોફાની પવનો ચડી આવે છે;

તેથી સમુદ્રના મોજાંઓ ઊંચાં ઊછળે છે.

26મોજાં આકાશ સુધી ચઢે છે, પછી પાછા ઊંડાણમાં ઊતરે છે.

તેઓના પ્રાણ ત્રાસથી આકુળવ્યાકુળ થાય છે.

27તેઓ પીધેલાની જેમ આમતેમ ડોલતા લથડે છે

અને તેઓની બુદ્ધિ બહેર મારી જાય છે.

28પછી તેઓ પોતાના સંકટમાં યહોવાહને પોકારે છે

અને તે તેઓને દુઃખમાંથી છોડાવે છે.

29તેમણે તોફાનને શાંત કર્યાં

અને મોજાં શાંત થયાં.

30પછી શાંતિ થવાથી તેઓને આનંદ થાય છે

અને તેઓને તેમની પસંદગીના બંદરે દોરી જાય છે.

31આ તેમની કૃપા તથા માનવજાતને માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો

ધ્યાનમાં રાખીને માણસો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!

32લોકોની સભામાં તેમને મોટા મનાવો

અને વડીલોની સભામાં તેમની સ્તુતિ કરો.

33તે નદીઓને સ્થાને અરણ્ય,

પાણીના ઝરાઓને સ્થાને કોરી ભૂમિ,

34અને ત્યાં રહેતા લોકોની દુષ્ટતાને કારણે

ફળદ્રુપ ભૂમિને ખારવાળી જમીન બનાવે છે.

35તે અરણ્યને સ્થાને સરોવર

અને કોરી ભૂમિને સ્થાને ઝરાઓ કરી નાખે છે.

36તેમાં તે ભૂખ્યાજનોને વસાવે છે

અને તેઓ પોતાને રહેવાને માટે નગર બાંધે છે.

37તેઓ ખેતરમાં વાવેતર કરે છે;

અને દ્રાક્ષવાડીઓમાં રોપણી કરીને તેનાં ફળની ઊપજ મેળવે છે.

38તે તેઓને આશીર્વાદ આપે છે, તેથી તેમની પુષ્કળ વૃદ્ધિ થાય છે.

તે તેઓનાં જાનવરોને ઓછા થવા દેતા નથી.

39તેઓના જુલમ, વિપત્તિ તથા શોક

પાછા ઘટાડવામાં આવે છે અને તેઓને નીચા પાડવામાં આવે છે.

40તે શત્રુઓના સરદારો પર અપમાન લાવે છે

અને માર્ગ વિનાના અરણ્યમાં તેઓને રખડાવે છે.

41પણ તે જરૂરિયાતમંદોને સંકટમાંથી છોડાવીને તેઓનું રક્ષણ કરે છે

અને ટોળાંની જેમ તેઓના કુટુંબની સંભાળ લે છે.

42તે જોઈને ન્યાયીઓ આનંદ પામશે

અને સઘળા અન્યાયીઓનાં મુખ બંધ થશે.

43જે કોઈ જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે

અને યહોવાહની કૃપા વિષે મનન કરશે.