Select a Verse

રક્ષણ માટેની પ્રાર્થના

મુખ્ય ગવૈયાને માટે; નહીલોથ સાથે ગાવાને. દાઉદનું ગીત.

1હે યહોવાહ, મારા બોલવા પર કાન ધરો;

મારા ચિંતન પર લક્ષ આપો.

2હે મારા રાજા અને મારા ઈશ્વર, મારી અરજ સાંભળો,

કારણ કે હું તમારી પ્રાર્થના કરું છું.

3હે યહોવાહ, સવારમાં તમે મારી પ્રાર્થના સાંભળશો;

સવારમાં હું તારી પાસે મારી અરજીઓ લાવું છું કરીને ઉત્તરને માટે હું રાહ જોઈ રહીશ.

4દુષ્ટતાથી ખુશ થાય એવા ઈશ્વર તમે નથી;

દુષ્ટ લોકો તમારી પાસે રહી શકતા નથી.

5તમારી હજૂરમાં અભિમાની ઊભા રહી શકતા નથી;

જેઓ દુષ્ટતા સાથે વ્યવહાર કરે તે સર્વને તમે ધિક્કારો છો.

6જૂઠું બોલનારાઓનો તમે નાશ કરશો;

યહોવાહ હિંસક તથા કપટી લોકોને ધિક્કારે છે.

7પણ હું તો તમારી પુષ્કળ કૃપાથી તમારા ઘરમાં આવીશ;

હું તમારી બીક રાખીને તમારા પવિત્રસ્થાન તરફ ફરીને ભજન કરીશ.

8હે પ્રભુ, મારા શત્રુઓના કારણથી તમે તમારા ન્યાયીપણામાં મને ચલાવો;

મારી આગળ તમારો માર્ગ સીધા કરો.

9કેમ કે તેઓના મુખમાં કંઈ સત્ય નથી;

તેઓનાં અંતઃકરણોમાં નરી દુષ્ટતા છે;

તેઓનું ગળું ઉઘાડી કબર છે;

તેઓ પોતાની જીભે ખુશામત કરે છે.

10હે ઈશ્વર, તેઓને દોષિત જાહેર કરો;

તેઓ પોતાની જ યુક્તિઓમાં ફસાઈ પડો!

તેઓના પુષ્કળ અપરાધોને લીધે તેઓને દૂર કરો,

કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ બંડ કર્યું છે.

11પણ જેઓએ તમારા પર ભરોસો રાખ્યો છે તેઓ સર્વ આનંદ કરશે;

તમે તેઓને બચાવ્યા છે માટે તેઓ સદા હર્ષનાદ કરશે;

તમારા નામ પર પ્રેમ રાખનારા તમારામાં હર્ષ પામશે.

12કેમ કે, હે યહોવાહ, તમે ન્યાયીને આશીર્વાદ આપશો;

તમે ઢાલથી તેમ મહેરબાનીથી તેને ઘેરી લેશો.