Select a Verse

વિશ્વાસઘાતની વ્યથા

મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવાને. દાઉદનું માસ્કીલ.

1હે ઈશ્વર, મારી પ્રાર્થના સાંભળવાને તમારા કાન ધરો;

અને મારી વિનંતિ સાંભળવાથી સંતાઈ ન જાઓ.

2મારી વાત પર ધ્યાન આપીને મને ઉત્તર આપો;

હું શોકને કારણે અશાંત છું અને વિલાપ કરું છું.

3દુશ્મનોના અવાજને લીધે

અને દુષ્ટોના જુલમને લીધે, હું વિલાપ કરું છું;

કેમ કે તેઓ મારા પર અન્યાય કરવાનો દોષ મૂકે છે

અને ક્રોધથી મને સતાવે છે.

4મારા હૃદયમાં મને ઘણી વેદના થાય છે

અને મૃત્યુનો ભય મારા પર આવી પડ્યો છે.

5મને ત્રાસથી ધ્રૂજારી આવે છે

અને ભયથી ઘેરાયેલો છું.

6મેં કહ્યું, “જો મને કબૂતરની જેમ પાંખ હોત, તો કેવું સારું!

તો હું દૂર ઊડી જઈને વિશ્રામ લેત.

7હું અરણ્યમાં દૂર સુધી ઊડી જાત

અને ત્યાં મુકામ કરત. સેલાહ

8પવનના સુસવાટાથી તથા તોફાનથી નાસીને ઉતાવળે

આશ્રયસ્થાને જઈ પહોંચત.”

9હે પ્રભુ, તેઓનો નાશ કરો અને તેઓની ભાષાઓ બદલી નાખો,

કેમ કે મેં નગરમાં બળાત્કાર તથા ઝઘડા જોયા છે.

10તેઓ રાતદિવસ તેના કોટ પર આંટા મારે છે;

અને તેની મધ્યે દુષ્ટતા તથા હાનિ ચાલુ રહી છે.

11તેની વચ્ચે બૂરાઈ છે;

જુલમ તથા ઠગાઈ તેના રસ્તા પરથી ખસતાં નથી.

12કેમ કે મને જે ઠપકો આપનારો હતો તે મારો શત્રુ ન હતો,

એ તો મારાથી સહન કરી શકાત;

મારી વિરુદ્ધ વડાઈ કરનારો તે મારો શત્રુ ન હતો,

એવાથી તો હું સંતાઈ રહી શકત.

13પણ તે તું જ છે, તું જે મારા સરખો,

મારો સાથી અને મારો ખાસ મિત્ર.

14આપણે એકબીજાની સાથે મીઠી સંગત કરતા હતા;

આપણે જનસમુદાય સાથે ઈશ્વરના ઘરમાં જતા હતા.

15એકાએક તેમના પર મોત આવી પડો;

તેઓ જીવતા જ શેઓલમાં ઊતરી પડો,

કેમ કે ભૂંડાઈ તેઓનાં ઘરોમાં, હા, તેઓનાં અંતરમાં છે.

16હું તો ઈશ્વરને પોકાર કરીશ

અને યહોવાહ મારો બચાવ કરશે.

17હું મારા દુ:ખમાં સવારે, બપોરે અને સાંજે ઈશ્વરને ફરિયાદ કરીશ

અને તે મારો અવાજ સાંભળશે.

18કોઈ મારી પાસે આવે નહિ,

માટે તેમણે છોડાવીને મારા આત્માને શાંતિ આપી છે

કેમ કે મારી સામે લડનારા ઘણા છે.

19ઈશ્વર જે અનાદિકાળથી ન્યાયાસન પર બિરાજમાન છે,

તે તેઓને સાંભળશે અને જવાબ આપશે. સેલાહ

જે માણસોમાં કંઈ ફેરફાર થતો નથી;

તેઓ ઈશ્વરથી બીતા નથી.

20મારા મિત્રો કે જેઓ તેની સાથે સમાધાન રાખતા હતા તેણે તેમના પર હાથ ઉગામ્યો છે;

તેણે પોતાનો કરેલો કરાર તોડ્યો છે.

21તેના મુખના શબ્દો માખણ જેવા સુંવાળા છે,

પણ તેનું હૃદય યુદ્ધના વિચારોથી ભરેલું છે;

તેના શબ્દો તેલ કરતાં વધારે મુલાયમ છે,

પણ તે શબ્દો ખરેખર તલવારની જેમ કાપે છે.

22તમારી ચિંતાઓ યહોવાહને સોંપી દો અને તે તમને નિભાવી રાખશે;

તે ક્યારેય ન્યાયી વ્યક્તિને પરાજિત થવા દેતા નથી.

23પણ, હે ઈશ્વર, તમે મારા શત્રુઓને વિનાશની ખાઈમાં ધકેલી દો છો;

ખૂની કે કપટી પોતાનું અડધું આયુષ્ય પણ ભોગવી નથી શકતા,

પણ હું તો તમારા પર ભરોસો રાખીશ.